માતૃભાષા ગુજરાતીને ચાહનારા પ્રગતિશીલ વાલીઓ અને શિક્ષકોને દ્વિભાષી મિડિયમ વિશે સંપૂર્ણ માહિતી આપતા આ અમારા ડિજિટલ આંગણા પર અમે આવકારીએ છીએ.
સુજ્ઞ મિત્રો, અમે ગુજરાતી માધ્યમના ઘટતા જતા પ્રભાવને જોઈ, માતૃભાષા બચાવવા તેમ જ સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસોન્મુખ રાખવાના દ્વિપાંખિયા હેતુથી સુરતની ભુલકાભવન અને ભુલકાવિહાર શાળામાં ગ્લોબલ મિડિયમ નામથી દ્વિભાષી માધ્યમનો પ્રયોગ શરૂ કરેલો. ધીરે ધીરે સુરતની 29 શાળાઓ એમાં જોડાઈ. આ વરસે અમારા પાઈલોટ પ્રોજેક્ટનો પ્રથમ બેચ નવમા ધોરણ સુધી આવી ગયો છે ત્યારે સરકારશ્રીએ આ નવતર અભિગમ પર પૂરતું ધ્યાન આપ્યું અમને પ્રોત્સાહન આપ્યું અને હવે નવી શિક્ષણ નીતિમાં સમર્થન પ્રાપ્ત થતાં, સરકારે એક પરિપત્ર દ્વારા આ પ્રોજેક્ટને તજજ્ઞોએ સૂચવેલા સુધારા વધારા સહિત ગુજરાતની ખાનગી શાળાઓમાં શરૂ કરવાની મંજૂરી આપી છે. માનનીય શિક્ષણમંત્રી શ્રી. ભૂપેંદ્રસિંહ ચુડાસમાના દૃષ્ટિવંત નેતૃત્વને કારણે અનેક તજજ્ઞોની હૂંફથી આ તબક્કે પહોંચ્યા છીએ ત્યારે સાર્થકતાની લાગણી થાય છે.
હવે પરિપત્રના આધારે યોગ્ય પરમિશન લઈ ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર શાળા આ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. એમને માર્ગદર્શન મળી રહે એ માટે આ વેબસાઈટ એક નાનકડો પ્રયાસ છે. એને અમે વખતોવખત અપડેટ કરતાં રહીશું. આપના સૂચનો અને પ્રશ્નો આવકાર્ય રહેશે.
આ તબક્કે આ સફળતાના યશભાગી મિત્રો અને વડીલોને અમે નમન કરીએ છીએ.
આ પ્રોજેક્ટના સ્વપ્નદૃષ્ટા એવા ભુલકાભવનના ડો. મીનાક્ષીબેન દેસાઈ, ડો. સોનલ દેસાઈ, સંસ્કારભારતીના શ્રી. જગદીશે ઈટાલિયા ઉપરાંત પ્રોજેક્ટમાં જોડાયેલી તમામ 29 શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને ટ્રસ્ટીઓના અમે આભારી છીએ.
આ પ્રોજેક્ટ શરૂ કરવામાં સુરતના પૂર્વ ડીઈઓ શ્રી. યુ એન રાઠોડ સાહેબનું સતત પીઠબળ રહ્યું. જીસીઈઆરટીના ડો. ટી એસ જોશી સાહેબ, માધ્યમિક શિક્ષણ બોર્ડના રાજગોર સાહેબ, શિક્ષણ વિભાગમાં ડો. વિનોદ રાવ સાહેબ શ્રી. ભાવેશ એરડા સાહેબ માનનીય મંત્રીશ્રીના અંગત મદદનીશ શ્રી. નટવરસિંહ ડોડિયા સહુના માર્ગદર્શન વગર આગળ વધવું શકય ન હતું
પાઈલોટ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી સર્વે કરનાર ડો. વિનોદભાઈ પટેલ, ગુજરાત કરકારે બનાવેલી કમિટિના અધ્યક્ષ ડો. રાજેંદ્રસિંહ જાડેજા, એમાંય ખાસ રચનાત્મક ચર્ચાઓ કરનાર સભ્યશ્રીઓ, ડો. હસમુખભાઈ પટેલ, ડો. હર્ષદ શાહ અને શ્રી. મહાદેવભાઈ દેસાઈ વગેરે તમામ 11 સભ્યોની દૃષ્ટિસંપન્ન ટીપ્પણીઓથી આ પ્રોજેક્ટ સમૃદ્ધ બન્યો છે.
આ પ્રોજેક્ટ વિશે વખતોવખત હકારાત્મક લખાણો પ્રકાશિત કરવા બદલ ગુજરાતના સમસ્ત મિડિયાકર્મીઓના પણ અમે આભારી છીએ.
આપ સહુએ મૂકેલા વિશ્વાસને સાકાર કરવા અમે સતત પ્રયત્નશીલ રહીશું એ વચન આપીએ છીએ અને એ વચન પાર પાડવા માટે અમને શક્તિ અને સૂઝબૂઝ મળી રહે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.
ડો. મીતાબેન વકીલ
આચાર્યા, ભૂલકાં વિહાર શાળા
રઈશ મનીઆર
બાળમનોતજજ્ઞ અને સાહિત્યકાર