માતૃભાષાનું ગૌરવ અને વિશ્વભાષાનું જ્ઞાન: શિક્ષણની નવી ક્ષિતિજ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના પાયાના સિદ્ધાંતોને અનુસરીને, ગુજરાતમાં ‘દ્વિભાષી શિક્ષણ’ (Bilingual Education) પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આ અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માતૃભાષા ગુજરાતીના મજબૂત પાયાની સાથે સાથે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અંગ્રેજી ભાષામાં પણ સક્ષમ બનાવવાનો છે.
માધ્યમનો સમન્વય: વર્ષોથી ચાલી આવતી ‘ગુજરાતી માધ્યમ’ કે ‘અંગ્રેજી માધ્યમ’ વચ્ચેની પસંદગીની મૂંઝવણ દૂર કરી, હવે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં બંને ભાષાઓનો સાથે ઉપયોગ કરવામાં આવે છે.
દ્વિભાષી પાઠ્યપુસ્તકો: પાઠ્યપુસ્તકોમાં વિષયવસ્તુ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. આનાથી વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના અંગ્રેજી પારિભાષિક શબ્દોથી પરિચિત થાય છે.
ઉચ્ચ અભ્યાસની પૂર્વતૈયારી: ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ (મેડિકલ, એન્જિનિયરિંગ વગેરે) માં અંગ્રેજીનું મહત્વ ધ્યાને લેતા, પ્રાથમિક અને માધ્યમિક સ્તરથી જ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં ભાષાકીય અવરોધ ન નડે.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંતુલન: આ પદ્ધતિ દ્વારા માતૃભાષા પ્રત્યેનું સન્માન જળવાઈ રહે છે અને સાથે જ આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવવાની ક્ષમતા કેળવાય છે.
શિક્ષણની આ પદ્ધતિ માતૃભાષા (સમજવાની ભાષા) અને અંગ્રેજી (પ્રગતિની ભાષા) બંનેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની ખાતરી આપે છે.
આ એક એવો પ્રયાસ છે જ્યાં ‘સંસ્કાર માતૃભાષાના અને જ્ઞાન વિશ્વભાષાનું’ મળે, જેથી ગુજરાતનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે.
1.1 નવી શિક્ષણનીતિનું સમર્થન
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જાહેર થઈ છે જેનાથી આપણે સહુ માહિતગાર છીએ. એમાંથી મુદ્દા નંબર 4.12 અને 4.14 દ્વિભાષી શિક્ષણની ભલામણ કરે છે. તે નીચે મુજબ છે.
4.12 સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો 2 થી આઠ વરસની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે અને બહુભાષિતાથી આ ઉંમરના વિદ્યાર્થીઓને ઘણા જ્ઞાનાત્મક લાભ થાય છે તેથી આ વયજૂથના બાળકોને પાયાના તબક્કાથી જ શરૂ કરીને વિવિધ ભાષાઓથી પરિચિત કરાવવામાં આવશે. (અલબત્ત માતૃભાને પ્રાથમિકતા આપીને જ) દરેક ભાષાને એક મનોરંજક અને સક્રિયાત્મક (ઈંટર-એકટીવ) શૈલીમાં ભણાવવામાં આવશે. મુખ્ય આધાર સક્રિય વાતચીત કે સંવાદ પર રહેશે.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી. ભુપેંદ્રસિંહજી ચુડાસમાએ ગુજરાતની શાળાઓ માટે ત્રીજા વૈકલ્પિક માધ્યમ તરીકે મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી અને એની માહિતી આપતી વેબસાઈટ www.bilingualmedium.in નું પોતાના વરદ હસ્તે ઉદઘાટન કર્યું હતું.
આ તબક્કે માહિતી આપતાં એમણે જણાવ્યું હતું કે 2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી(માતૃભાષા અને અંગ્રેજી) સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી સુરતની શાળામાં આ પ્રકારાના સફળ પ્રયોગની ચકાસણી કરી સરકારે બનાવેલી કમિટી એ એને રાજ્યવ્યાપી બનાવવાની ભલામણ કરી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.