FAQ

દ્વિભાષી માધ્યમ શરૂ કરવા પાછળનો હેતુ શું છે?

પ્રવર્તમાન સમયના વાલીઓનો ગુજરાતી માધ્યમનો તરફનો ઝોક ઘટતો જાય છે. એમની ફરિયાદ એ છે કે ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ મોડે શરૂ થાય છે અને સાંપ્રત સમયમાં વૈશ્વિક પ્રવાહોની સાથે રહેવામાં અંગ્રેજી ભાષામાં કાચું હોય એવું બાળક પાછળ પડી જાય એવી ભીતિથી નિમ્ન મધ્યમ વર્ગના બાળકો માટે અંગ્રેજી માધ્યમ પસંદ કરતાં થયાં છે. એક તો તેઓ પોતાની આર્થિક ક્ષમતાની મર્યાદામાં અંગ્રેજી માધ્યમની ખૂબ નબળી ખાનગી શાળા પસંદ કરે છે અને સરકારના ધરખમ પ્રયાસો છતાં સરકારી શાળાઓ ખાલી રહે છે. એન.સી.ઈ.આર.ટીના સર્વે મુજબ છેલ્લા 20 વરસોમાં માતૃભાષામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 92 ટકાથી 78 ટકા થઈ છે

શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એ જરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલી જ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણની ગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એકને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી. દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એક વાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એ દ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજી જ હોઈ શકે.

પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીને જ ભણવાના હોવાથી, શાળા કક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિક કક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાનસમુદ્રનો, સંદર્ભસાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.

આવા વિચારથી સુરતની ભુલકાભવન, ભુલકાવિહાર વગેરે શાળાઓએ આ દ્વિભાષી માધ્યમની શરૂઆત કરી હતી.

દ્વિભાષી માધ્યમ અંગે ગુજરાતનો કોઈ અનુભવ છે?

વર્ષ 2016થી સુરત શહેરની 29 શાળાઓએ સરકારની મંજૂરીથી ‘ગ્લોબલ ગુજરાતી માધ્યમ’ને નામે ‘દ્વિભાષી માધ્યમ’નો પ્રયોગ કરે છે. જિલ્લા શિક્ષણાધિકારીએ કરાવેલ થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન મુજબ આ પદ્ધતિ સફળ અને સાર્થક રહી છે. આ સફળતાથી પ્રેરાઈને, આ પદ્ધતિને રાજ્યવ્યાપી બનાવી શકાય કે કેમ એની વિચારણા માટે સરકાર વર્ષ 2019માં બનાવેલી શિક્ષણવિદ અને તજજ્ઞોની કમિટીએ સુપ્રત કરેલા અહેવાલ મુજબ આ પદ્ધતિ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સફળ અને સમયની માંગ અનુસાર સાનુકૂળ જણાય છે. માનનીય શિક્ષણમંત્રી સમક્ષ થયેલી એકાધિક રજૂઆતો બાદ સરકાર પ્રારંભિક ધોરણે એના ‘મિશન સ્કૂલ ઑફ એક્સેલંસ’ પ્રોજેક્ટમાં આ પદ્ધતિની શરૂઆત કરવા તત્પર છે તેમજ ખાનગી શાળાઓ, સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.

દ્વિભાષી માધ્યમ આવવાથી પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું શું થશે?

અત્યારે ખાનગી શાળાઓ માટે પ્રવર્તમાન ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ઉપરાંત આ ત્રીજું સ્વૈચ્છિક માધ્યમ રહેશે. અર્થાત જે શાળા ઈચ્છે તે મંજૂરી લઈ ચાલુ કરી શકશે. સરકારી શાળાઓમાં આ દ્વિભાષી માધ્યમ સમયાંતરે દાખલ કરાશે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તો યથાવત ચાલુ જ રહેશે. સજ્જ અને તત્પર શાળા ત્રીજા વિકલ્પ તરીકે વાલી અને શિક્ષકોની મંજૂરીથી આ માધ્યમ શરૂ કરી શકે.

દ્વિભાષી માધ્યમને ટૂંકમાં કઈ રીતે વર્ણવી શકો?

દ્વિભાષી માધ્યમમાં

1. અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી

2. ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા

આ બે મુખ્ય જોગવાઈને બાદ કરતાં અન્ય અભ્યાસ પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણે જ કરાવવાનું રહે છે.

ત્રીજાથી દસમા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાન/પર્યાવરણના વિષયોમાં વર્ગખંડ વાર્તાલાપમાં માતૃભાષા તેમજ અંગ્રેજી બન્ને ભાષાનો છૂટથી ઉપયોગ કરવાનો રહે છે.

દ્વિભાષી માધ્યમને ચાર તબક્કામાં વહેંચી શકાય

તબક્કો 1 – ધોરણ 1 2

અંગ્રેજીનો શ્રવણ-સંભાષણ દ્વારા પરિચય

ગણિત પર્યાવરણમાં અગ્રેજી અંકો અને પારિભાષિક શબ્દોની યાદીનો પરિચય

બાકીનો અભ્યાસ અત્યારના ગુજરાતી માધ્યમ મુજબ

તબક્કો 2 – ધોરણ 3 4 5

ગણિત અને પર્યાવરણના દ્વિભાષી પુસ્તકો. વર્ગખંડની ભાષા મુખ્યત્વે ગુજરાતી માધ્યમ – સાથેસાથે ધીમે ધીમે આ વિષયોને અંગ્રેજીમાં પણ સમજવાની શરૂઆત.

બાકીના વિષયો અત્યારના ગુજરાતી માધ્યમ મુજબ.

તબક્કો 3 – ધોરણ 6,7,8

ધોરણ 6 અને 7માં ગણિત અને વિજ્ઞાનના દ્વિભાષી પુસ્તકો. ધીમે ધીમે આ બે વિષય પૂરતો અંગ્રેજી ભાષા વધતો જતો ઉપયોગ. ધોરણ 8 માં ગણિત અને વિજ્ઞાનના માત્ર અંગ્રેજી પુસ્તકો.

ભાષા 2 તરીકે અંગ્રેજી હાયર લેવલના નવાં પુસ્તકો સમયાંતરે આવશે

બાકીના વિષયો અત્યારના ગુજરાતી માધ્યમ મુજબ

તબક્કો 4 – ધોરણ 9, 10

ગણિત અને વિજ્ઞાનના અંગ્રેજી પુસ્તકો.

ભાષા 2 તરીકે અંગ્રેજી હાયર લેવલના નવાં પુસ્તકો સમયાંતરે આવશે

બાકીના વિષયો અત્યારના ગુજરાતી માધ્યમ મુજબ

તબક્કોધોરણઅંગ્રેજી શિક્ષણગણિતપર્યાવરણ/વિજ્ઞાનઅન્ય વિષયો
સામાજિક વિજ્ઞાન, હિંદી, સંસ્કૃત વગરે વિષયો
તબક્કો 1પહેલું બીજુંસાંભળવા અને બોલવાનું શિક્ષણ
લેખન કે વાંચન નહીં
વર્ગશિક્ષણ માતૃભાષામાં અંગ્રેજી પરિભાષાનો પરિચયવર્ગશિક્ષણ માતૃભાષામાં અંગ્રેજી પરિભાષાનો પરિચયમાતૃભાષામાં
તબક્કો 2ત્રીજું ચોથું પાંચમુંઅંગ્રેજી ભાષા 2 તરીકે હાયર અંગ્રેજી પાઠ્યપુસ્તક બહાર પાડવાનું સરકારે સ્વીકાર્યું છે.દ્વિભાષી પુસ્તક
ઓછામાં ઓછા 20 ટકા ઓબજેક્ટીવ પ્રશ્નો અંગ્રેજી પરિભાષાને લગતાં
દ્વિભાષી પુસ્તક
ઓછામાં ઓછા 20 ટકા ઓબજેક્ટીવ પ્રશ્નો અંગ્રેજી પરિભાષાને લગતાં
માતૃભાષામાં
તબક્કો 3છઠું અને સાતમું ધોરણઅંગ્રેજી ભાષા 2 તરીકે
હાયર અંગ્રેજી પાઠ્યપુસ્તક બહાર પાડવાનું સરકારે સ્વીકાર્યું છે.
દ્વિભાષી પુસ્તક
ઓછામાં ઓછા 50 ટકા ઓબજેક્ટીવ પ્રશ્નો અંગ્રેજી પરિભાષાને લગતાં વર્ણનાત્મક જવાબો ગુજરાતી અથવા અંગ્રેજીમાં આપી શકાય
દ્વિભાષી પુસ્તક
ઓછામાં ઓછા 50 ટકા ઓબજેક્ટીવ પ્રશ્નો અંગ્રેજી પરિભાષાને લગતાં વર્ણનાત્મક જવાબો ગુજરાતી અથવા અંગ્રેજીમાં આપી શકાય
માતૃભાષામાં
તબક્કો 4આઠ નવ અને દસ ધોરણઅંગ્રેજી ભાષા 2 તરીકે
હાયર અંગ્રેજી નવું પુસ્તક
ગણિતનું અંગ્રેજી માધ્યમનું પુસ્તક
વર્ગખંડમાં ચર્ચા અને સમજૂતી માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકાય
વિજ્ઞાનનું અંગ્રેજી માધ્યમનું પુસ્તક
વર્ગખંડમાં ચર્ચા અને સમજૂતી માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શ્કાય
માતૃભાષામાં
ખાનગી શાળાઓ દ્વિભાષી માધ્યમ કઈ રીતે શરૂ કરી શકે?

ગુજરાતની ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ માટે સાઇન અપ કરી શકે છે

  1. તેઓએ સરકારે મંજૂર કરેલ દ્વિભાષી માધ્યમના મોડેલનું પાલન કરવું પડશે.
  2. તેઓએ તમામ સરકારી ઓનલાઈન તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે અથવા એમ ન થઈ શકે તો ખાનગી રીતે તેમની પોતાની તાલીમની વ્યવસ્થા કરવી પડશે.
  3. તેઓએ તેમના અંગ્રેજી શિક્ષકોને દ્વિભાષી તાલીમ આપવી પડશે અને જો જરૂરી હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડશે.
  4. તેઓએ તેમના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને સરકારે જાહેર કરેલા દ્વિભાષી માધ્યમના ધારાધોરણ પ્રમાણે તાલીમ આપવી પડશે.
  5. તેઓએ નીચેના દસ્તાવેજો સાથે ડીઈઓની પરવાનગી લેવી પડશે.
  • . ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ, કે “તેમને સૂચિત દ્વિભાષી માધ્યમ કોઈ વાંધો નથી અને તેઓ દ્વિભાષી માધ્યમ શરૂ કરવા અને એ માટેની સરકારે સૂચવેલી તમામ વ્યવસ્થાને અનુસરવા તૈયાર છે.”
  • બી. જે તે વર્ગના વાલી મંડળ દ્વારા ઉપર મુજબનો ઠરાવ.
  • સી. જે તે વર્ગના શિક્ષકો દ્વારા ઉપર મુજબનો દ્વારા ઠરાવ.